Welcome

આધ્યાત્મિકતાનું ઊંડાણ જે નામાંકિત ગુરૂઓની શિબીરોમાં જઇને પણ જાણી શકાતુ નથી તે ખોડાબાપાનાં સાંનિધ્યમાં રહીને સહેજે જાણી શકાય છે. તેઓ કોઇ સંપ્રદાય સાથે જોડાયેલા નથી તેમજ ગુરૂ-શિષ્ય એવી પરંપરામાં રાચતા નથી, તેમ છતા તેમને ત્યાં વિવિધ ધર્મો તેમજ સંપ્રદાયોથી થાકેલા અને આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર વ્યક્તિઓ માર્ગદર્શન મેળવવા આવતા રહે છે. ખોડાબાપા એક એવું વ્યક્તિત્વ છે જેમને રાજકોટમાં ખૂબ જુજ લોકો જ ઓળખે છે. તેમનો કોઇ આશ્રમ નથી. પરંતુ લક્ષ્મીનગર શેરી નં:૩માં આવેલ તેમનું રહેઠાણ જ જ્ઞાનપિપાસુઓ માટે આશ્રમથી વિશેષ બની રહ્યું છે. વ્યવસાયે દરજી કામ કરતા બાપાને જોઇને કોઇને તેમની આધ્યાત્મિક ઉંડાઇ પરત્વે જરાપણ અંદાજ આવે નહી. ભૌતિક જગતનાં કેટલાય પાસાઓમાથી તેઓ પસાર થઇ ચૂક્યા છે.

Khodabapa-400x352

તેમની કોઇ ચોક્કસ ઓળખાણ આપવી એ આ લખનારની ક્ષમતા નથી. સુકલકડી શરીરની અંદર તત્વજ્ઞાન તેમજ આધ્યાત્મિક જ્ઞાનનો અખૂટ ભંડાર પડેલો છે જે તેમને મળવા જતા વ્યક્તિઓને તરબોળ કરી દે છે. તેઓ કોઇ ચોક્કસ જ્ઞાન કે ધ્યાન પધ્ધતિને ફોલો કરતા નથી તેથી તેમની પાસે લોકોને આપવા જેવું કંઇ નથી એવું તેઓ હંમેશા કહેતા હોય છે. જ્ઞાનમાર્ગીઓ, ધ્યાનમાર્ગીઓ કે સામાન્ય વ્યક્તિ જ્યારે તેમને પ્રશ્ન પુછે કે, “બાપા, અધ્યાત્મની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા માટે શું કરવુ જોઇએ?” ત્યારે તેમનો હરહંમેશ ઉતર એક જ હોય છે કે “કાંઇ ના કરો!”. હવે, કંઇ કરવું નહી એટલે શું કરવું એવો પેટાપ્રશ્ન સાધકને થયા વગર રહે નહી એ સ્વાભાવિક છે. પરંતુ કંઇ ન કરવું એવું કહેવા પાછળનો હેતુ જાણવા તેમજ સમજવા માટે તેમનું સાંનિધ્ય જ મેળવવું રહ્યું. કંઇ ન કરવું નો અર્થ તેઓ હરગિજ એવો નથી કરતા કે આળસુ બનો. પોતે પણ સાઠી વટાવી ચૂકેલ છે છતા સિલાઇકામમાં પ્રવૃત છે.

શરીર, મન, ઇદ્રિયો, સુખ, દુ:ખ, આત્મા, પરમાત્મા, મોક્ષ, સાક્ષાત્કાર, નાદબ્રહ્મ, શરીરનાં સાત ચક્રો, ધ્યાન, જાગૃતિ, ઓશો, કૃષ્ણ, બુધ્ધ, મહાવીર જેવા પાર વગરનાં આધ્યાત્મિક વિષયોનાં પ્રશ્નોનાં સમાધાન માટે જિજ્ઞાસુઓ તેમને મળવા આવતા હોય છે. તેઓ જ્યારે સત્સંગ કરતા હોય છે ત્યારે તેમની વાણી અસ્ખલિત વહેતી જ રહે છે. તેમણે કંઇ સાબિત કરવું નથી તેમજ કંઇ બનવું પણ નથી, આ તેમનો સીધો અને સરળ સ્વભાવ છે. નહીંતર આ લખનાર તેમજ અન્ય જિજ્ઞાસુઓએ તેમને એક વાત ચોક્કસ કરી જ છે કે, બાપા તમે કોઇ શિબીરનું આયોજન કરો અથવા કોઇ આશ્રમની સ્થાપના કરો. પરંતુ તેઓ આ બાબતનો ઊતર હંમેશા એવી જ રીતે આપે છે કે, જ્યારે મારુ કોઇ અસ્તિત્વ જ નથી તો પછી કંઇ પણ બનવાનો કે કંઇક કરવાનો પ્રશ્ન જ આવતો નથી.”

તેમની સાથે સત્સંગનો લ્હાવો માણી ચૂકેલ સાધકોને તેમાં કેટલીય વિશેષતા જોવા મળે છે. આ લખનારનો જાત અનુભવ એવું કહે છે કે ખોડાબાપા એટલે એક એવું પ્રચંડ જ્ઞાની તેમ છતા અત્યંત નિર્દોષ વ્યક્તિત્વ, જેમની સાથે તમે અઘરી લાગે તેવી આધ્યાત્મિક બાબતોની ચર્ચા તો કરી જ શકો છો પરંતુ “પ્રેમ” જેવા કોમળ વિષય પર પણ તેમને બિન્દાસ પ્રશ્ન પુછી શકાય છે. તેઓ બ્રહ્મચર્યનાં સમર્થક પણ નથી તેમજ વિરોધી પણ નથી. જો કે ’બ્રહ્મચર્ય’ની આપણી વ્યાખ્યા તો કંઇક અલગ છે. આપણું બ્રહ્મચર્ય શરીર ત્થા મનને લાગુ પડતી બાબત છે જ્યારે તમે ખોડાબાપા સાથે આ વિષય પર ચર્ચા કરો તો આશ્ર્ચર્યચકિત થઇ જવાય એવી ઉંડાઇએ પહોંચી જવાય! તેમનાં સત્સંગમાં આપણે જ્યાથી થાકી, હારીને અટકી ગયા હોઇએ ત્યાથી તેઓ શરૂઆત કરતા હોય છે. આમેય તેમને ત્યાં માર્ગદર્શન માટે આવતા સાધકો પણ કેટકેટલીય સાધનાઓ કર્યા બાદ થાકીને આવ્યા હોય છે. કેટકેટલીયા માન્યતાઓનાં પડિકા અહીં ખૂલે છે, તુટે છે.

આપણી વચ્ચે એક આવું વ્યક્તિત્વ સહજ અને સરળ અવસ્થામાં અસ્તિત્વે છે તે પણ એક આશ્ર્ચર્યની વાત છે.

==========================================

This website will display video discourses & Quotes of Khodabapa. Please view below categories to watch various discourses:

1. Gangasati
2. Naam
3. Lakho Loyan
4. Other Video Talks
5. Quotes